ગરવી ગુજરાતના રાસ ગરબા
સૌરાષ્ટ્રના લોક નૃત્ય રાસ ગરબાનું આદિ સ્થાન મહાદેવના નટરાજ સ્વરૂપ સાથે જોડાયેલ છે.
વર્ષાઋતુનો વિરામ થાય,અનાજનો પાક તૈયાર થાય પછી આનંદ ના દિવસો ઉજવવા ગ્રામ્ય પ્રજા એકત્ર થઇને દેવી દેવતાઓને આભાર વ્યક્ત કરતી.આસો માસની શુક્લ પક્ષની એકમથી કરીને નોમ સુધી એમ નવરાત્રી ઉત્સવની ઉજવણી થાય છે.ગરબા નૃત્ય દ્વારા દેવીની આરાધના થાય છે.માટીના કુંભમા દીવો પ્રગટાવી માતાજીની સ્તુતિમાં ગવાતા ગીતો એ ગરબા.ગરબો શબ્દ 'ગર્ભ દીપ' પરથી આવ્યો છે.માટીના કુંભમાં છીદ્રો હોય છે અને કુંભમાં મૂકેલ જ્યોતિ પ્રકાશ રેલાવે છે જેનો અર્થ અંધકારમાંથી પ્રકાશ તરફ જવું.ગરબા નૃત્ય એટલે પ્રજનન ક્ષમતાની ઉજવણી, સ્ત્રીત્વનું સન્માન અને એક શૃખંલા સમુહમાં માતાજીને આદર આપવો.
નારીના જીવનમાં આનંદ ઉલ્લાસ વ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ ગરબા રાસ છે.પ્રચીન ગરબામાં એકતાળી,બે તાળી,ત્રણ તાળી અને ચપટી સાથે રાગ,સૂર,તાલ,લયના અદભૂત સમન્વય સાથે માતાજી ની ભક્તિનું મહત્વ હતું.હવે તો ભાગ્યે જ આ રીતના ગરબા જાવા મળે છે.યોગેશ્વર શ્રીકૃષ્ણની મોરલીના સ્વર પ્રત્યે વ્રજની ગોપીઓ અને રાધાજી રાસ નૃત્ય કરતાં એનું દિવ્ય વર્ણન આજે પણ આનંદ આપે છે.શ્રીકૃષ્ણની રાસ લીલાના પેઇન્ટિંગ આજે પણ આર્કષક લાગે છે.ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યો પ્રજાને સમજણ આપે છે.માટીનો ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે જેમ સુર્યની આસપાસ નિશ્ચિત ગતિએ ઘુમતા અણુ પરમાણુ.
લોક નૃત્યમાંથી રાસ અને ગરબા આવ્યા.રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલ છે.તો ગરબા માતાજીની આરાધના છે..
આદ્યશક્તિની આરાધના અને રાસ વચ્ચે સામ્ય છે.બંને ધર્મના કેન્દ્રમાં છે.વર્તુળાકારે કરાતું સમુહ નૃત્ય છે.
'ગરબે ઘુમવાને આવોને ભવાની માતા' કે પછી'ગરબે રમે શ્રીગોકુળનાથ કે સંગ ગોપી બની રે લોલ.'
રાસ ગરબા કળાનું પ્રદર્શન છે.ગરબે ઘૂમનારા તો ઉલ્લાસભેર ઘૂમે છે પણ જોનારા પણ આનંદ માણે છે એવું ગરબા નૃત્ય હોય છે.
ગુજરાતની લોક સંસ્કૃતિ ગરબા નૃત્ય છે. ગરબા રમવા,ગરબે ઘૂમવુ,ગરબા ગાવા અને ગરબા કરવા એમ ઉચ્ચારણ થાય છે.
જૂની પરંપરામાં દાંડીયા રાસ,ગોફ,મટકી, ટીપ્પણી વગેરે પ્રકારના રાસ ગરબા હતા.સ્ત્રી પુરુષ હાથમાં દાંડીયા હાથમાં પકડી રમે તે રાસ,તાળીઓના તાલે સ્ત્રીઓ રમે તે ગરબા અને પુરુષો રમે તે ગરબી.આમ સ્ત્રીઓ અને પુરુષોના ગરબા અને ગરબી જોવા મળતા.
આમ ગરવો ગરબો કહેવાયો.
મધ્યકાલીન રચનાઓમાં માતાજીની ભક્તિ અને કૃષ્ણ ભક્તિથી સભર એવા ધાર્મિક ગરબા_ ગરબીઓ સામાજિક થતાં ગયાં.રાસ ગરબા સમાજમાં અદભૂત સ્થાન પામતા ગયા તેમ તેમ લોકગીતોની પણ અખૂટ રચનાઓ થઇ.શક્તિની આરાધનામાં મહાકાળી,અંબા,બહુચર,આશાપુરા માતાજીનું સ્મરણ કરતી, શ્રીકૃષ્ણની લીલાઓ તેમ જ લોક જીવનને સ્પર્શતા વિષયોના આધારે પ્રજા સહજતાથી ગાઇ શકે તેવા ગીતોની રચનાઓ બની.દીવાન રણછોડ,શામળ, પ્રેમાનંદ,દયારામ,પ્રીતમ જેવા સર્જકોની રચનાઓ ગુજરાત માટે અમૂલ્ય ભેટ છે.મધ્ય કાલીન રચનાઓમાં માતાજીની ભક્તિનું પ્રતિબિંબ જોવા મળે છે.ત્યાર પછી લોકગીતો અને લોક સાહિત્ય વધતા ગયા.અને પછી તો ફિલ્મી ગીતોથી તો ગરબા ગાવાની કળા બદલાઈ ગયી.
ભટ્ટ વલ્લભના પ્રાચીન ગરબા હજી પણ સ્મરણ થાય છે.પ્રાચીન ગરબામાં હાથતાળીનુ નર્તન મુખ્ય હતું.ઉપરાત માથા પર બેડા મૂકી,દીવા મૂકી, દાંડીયા મંજીરા સાથે ગરબા કરવા જેવી પણ કળા જોવા મળતી.આજે તો આવી કળાના કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળે છે.
ગુજરાતીની પ્રજાનું સાંસ્કૃતિક સૌભાગ્ય કહેવાતા ગરબા ગામના ચોક અને શેરીઓમાંથી ઘુમતા ઘુમતા પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પહોંચી ગયા છે.ફિલ્મી ઢબે ગવાતા ગરબાથી પરંપરા ખંડિત કરી દીધી છે.ગરબાના આયોજનથી ધીંગી કમાણી થાય છે.પરંપરાગત રીતે ગરબા થાય છે ત્યાં લોકોની હાજરી ઓછી જોવા મળે છે.
માતાજીની ભક્તિના દર્શન ક્યાંય જોવા મળતા નથી.કાન ફાડી નાંખે એવા ડીસ્કો મ્યુઝિક, ફિલ્મી ધૂનો અને આધુનિક વસ્ત્રોનું પ્રદર્શન આ છે આજની નવરાત્રીનું રૂપ.ક્યારેક ગુનાહિત ધટના પણ સાંભળવા મળે છે.
લાંબા સમય માટે સમાજનો વિશાળ વર્ગ એકત્ર થાય ,સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવનું સામુહિક આયોજન એટલે વ્યાપાર બજાર અને કોર્પોરેટ સેક્ટરની નજરે પડવાની જ.ગરબા આયોજકો સાથે વેપાર નફાની સાંઠ ગાંઠ કરી પોતાની બ્રાન્ડનું પ્રમોશન કરે છે.ગરબા ગ્રાઉન્ડની આસપાસ ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ ના સ્ટોલ લગાવી બજાર ઊભું કરવામાં આવે છે.૨૦૧૪ના એક આંકડા મુજબ ગુજરાતમાં નવરાત્રીનો વ્યાપાર ૧૨,૫૦૦ કરોડનો હતો જે આગળ ૨૫% દર વર્ષે વધવાનો છે.
આ કારણોને લીધે આપણા સાંસ્કૃતિક અને લોકનૃત્ય રાસ ગરબાની પરંપરામાં કેમ ઉણપ આવતી જાય છે તેનું અવલોકન કરવું જરૂરી છે. સાંસ્કૃતિક નૃત્ય ગરબાની વિશિષ્ટતા અને વિવિધતા વિસરાઈ ગયી છે.આજે મનુષ્ય જીવન પ્રાકૃતિક રહ્યું નથી.સંસ્કૃતિમા પણ ભેળસેળ થવા લાગી છે ત્યારે પરંપરાગત રાસ ગરબા પણ આમાંથી બાકાત નથી રહ્યા.
આ વર્ષે કોરોના માહમારીને કારણે જનસમુદાયનુ એકત્ર થવાથી મહામારી વધુ ફેલાવાનો ભય છે.તકેદારીના પગલાં લેવામાં સરકાર તરફથી સાર્વજનિક નવરાત્રીની પરવાનગી આપવામાં આવી નથી.આપણા ઘરમાં પણ મા અંબાની ભક્તિ કરી શકાય છે.ગરબા ગાવાનો આનંદ લઇ શકાય છે.સાથે જ પાછળના વર્ષો પર એક નજર નાખીને ફરી પરંપરા તરફ ડગલું ભરવાનો વિચાર કરી શકાય.
ભાણદાસજી રચીત આ રચના ગરબા વિશે બહુ સરસ વર્ણન કરે છે.ગરબો ગગન એટલે કે આકાશ સમાન છે.પૃથ્વી કોડીયું છે તેમાં સમુદ્ર રૂપે તેલ છે.પર્વત રૂપે વાટ અને સુર્ય રૂપે દીવો.ચંદ્ર રૂપે પ્રકાશ.
ગગનમંડળની ગાગરડી
ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે,
તેણી રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે;
દિનમણિ સૂર્ય દીપક, ગુણ ગરબી રે,
માંહિ ચંદ્ર તણું પરકાસ, ગાઉં ગુણ ગરબી રે;
પૃથ્વીપાત્ર ત્યાંહા કોડી, ગુણ ગરબી રે,
વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે;
સાતિ સાગર તેલ ભર્યું, ગુણ ગરબી રે,
માંહિ મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે;






Comments
Post a Comment