જીજ્ઞાસા

અનંત કોટી બ્રહ્માંડ ની સંખ્યામાં વિસ્તરેલું આ વિશાળ વિશ્વ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ છે અને આ ગતિ એકધારી ચાલી રહી છે.આ સમગ્ર જગતનું સંચાલન કોણ કરે છે? મનુષ્યના વિકાસ સાથે આ રહસ્ય પર ચિંતન કરાયું અને ફલસ્વરૂપે તત્વજ્ઞાનનો ઉદય થયો.કહેવાય છે કે તત્વજ્ઞાનનો ઉદય ઉત્સુકતા અથવા જિ઼જ્ઞાસામાંથી થાય છે.જે અનાદિ અને પૂર્ણસ્વરૂપ છે એવા પરમતત્વના જ્ઞાન પ્રત્યે પ્રેમ અને પ્રબુદ્વ જ્ઞાનનો અનુરાગી એટલે'તત્વજ્ઞાની'.
તત્' શબ્દ 'ઈદમ્' નો વિરોધી છે.'ઈદમ' એટલે'આ'દશ્યમાન વિશ્વ અને 'તત્'એટલે તે વિશ્વની પેલે પારપહેલું તત્વ.એ તત્વના સ્વરૂપનું જ્ઞાન એટલે 'તત્વજ્ઞાન'.જડ,ચેતન અને સમગ્ર વિશ્વનો અર્થ દર્શાવતીતર્કશુદ્વ અને સુસંગત માંડણી એટલે તત્વ જ્ઞાન. તત્વજ્ઞાનને અધ્યાત્મવિદ પણ કહેવાય છે.
ગીતામાં આધ્યાત્મવિદ્યાનો અપાર મહિમા કહ્યો છે.ભારતીયશાસ્ત્રો ભારતીય તત્વજ્ઞાનની આધારશીલાછે.
શાસ્ત્ર "શાસ' ધાતુ પરથી આવ્યો છે. 'શાસ' એટલે 'શાસન' કરવું. શાસન કરે તે શાસ્ત્ર,માનવજીવન ઉધ્વગતિ પામે, કલ્યાણકારી બનાવે,જીવનની દિશા આપે.           . 
ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનને 'દર્શન'કહેવાય છે કારણ કે ઋષિમુનિઓને પરમ સત્ય જે તત્વ કહેવાય છે, પ્રત્યક્ષ દર્શન થયું હતું. દર્શનને શાસ્ત્ર કહેવાય છે.જે ગ્રંથ સત્યને પ્રકટ કરે છે તેને દર્શન શાસ્ત્ર કહે છે.ભારતીય દર્શન એ જીવનદર્શન છે.પ્રાચીન ઋષિમુનિઓને સમાધિમાં અનુભૂતિ દ્રારા જે જ્ઞાન પ્રાપ્ત થયું અને સત્ય સાંપડ્યું તે ભારતીય દર્શનનો આધાર છે.
તત્વજ્ઞાનને જ્ઞાન, બુદ્ધિ, વિચાર,વિવેક અને સત્ય સાથે સંબંધ છે.તત્વજ્ઞાનનું મૂળ જિજ્ઞાસામાં સમાયેલું.છે.બાળક,યુવાન અને મોટી ઉંમરના સૌને જન્મ, મૃત્યુ, આત્મા પરમાત્મા,લોક પરલોક,મોક્ષ સંબંધી જિજ્ઞાસા જાગે છે.

પાશ્ચાત્ય તત્વજ્ઞાન બાહ્યદ્રષ્ટિકોણથી વિચારે છે. ભારતીય દર્શન આંતરખોજનો દ્રષ્ટિકોણ ધરાવે છે.
જિજ્ઞાસા,શોધઅને જ્ઞાન તત્વજ્ઞાનના તબક્કા છે.ભારતીય તત્વજ્ઞાન વેદયુગથી શરુ થઇ વર્તમાનકાળસુધી અનેક વિચારધારાઓમાંથી
પ્રગટ થયું છે



ભારતીય દર્શન બે યુગમાં પસાર થયો છે.

(૧)વેદયુગ.ઈ.સ.પૂર્વ ૧૦૦૦નો માની શકાય.
જો કેઆ બાબતે નિશ્ચિત કહી શકાતું નથી.

આ સમયમાં આર્યોએ પોતાનો નિવાસ કાયમ કરી ભારતમાં આર્યસંસ્કૃતિ અને સભ્યતાઓનો ધીરે ધીરે વિસ્તાર અને પ્રસાર કર્યો.આ સમય સુધીમાં વૈદિક સાહિત્યની રચના થઇ ગયી હોવાનું માનવામાં આવે છે.
વેદ અનાદી અને અપૌરુષેય છે. વેદને 'શ્રુતિ'કહે છે.વેદ એક ગ્રંથ નહીં પણ ગ્રંથાલય છે.વેદમાં તત્વોનો વિકાસ થયો છે.ભક્તિનું મહત્વ, વિવિધ દેવોની આરાધના અને ઉપાસનાનાંમંત્રો,યજ્ઞોનું.સ્વરૂપ ઇત્યાદિનો વેદોમાં પૂર્ણ વિકાસ થયેલો હતો. આ યુગમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન માર્ગ ઉપાસના ના મુખ્ય માર્ગ હતાં.

(૨) વેદોત્તરયુગ આ વેદ પછીનો સમય એટલે કે ઈ.સ.પૂર્વ ૧૦૦૦થી.
આ યુગને મહાકાવ્યકાળ પણ કહેવાય છે.
આ યુગને બે ભાગ માં વિભાજીત કરી શકાય. એક પૂર્વ કાળ અને બીજો દર્શનકાળ.પૂર્વકાળને વૈદિક ધર્મના વિરોધનો યુગ કહી શકાય કારણ કે આ સમયમાં વૈદિક રીત રિવાજનો આને પરંપરાઓનો વિરોધ કરવા અવૈદિક ધર્મોનો વિકાસ થયો.ખાઓપીઓને મોજ કરો એવા સૂત્ર ની ભરમાર થઇ ગયી.કેટલોક સમય આ તત્વદર્શન લોકોને સારું લાગ્યું પણ ફરી લોકોમાં અસ્વીકાર થયો. આવી માન્યતા દૂર કરવા આ યુગમાં મહાભારતની રચના થઇ.
રામાયણ, અન્ય સ્મૃતિઓ,પુરાણો અને અન્ય વેદાંગની રચના આ કાળમાં જ થઇ હતી.વેદોત્તરયુગના પૂર્વકાળ પછી 'દર્શનકાળ' નો આરંભ થયો. તે દરમિયાન વિવિધ દર્શનોનો વિકાસ થયો છે. 'દર્શન'શબ્દ'દૃશ' ધાતુમાંથી આવ્યો છે,જેનો અર્થ છે 'જોવુ'.આ દર્શન ઈન્દ્રિય દ્રારા હોય કે પ્રત્યયી જ્ઞાન અથવા અંત:કરણ દ્રારા અનુભૂતીત હોય શકે.દર્શનકાળના બે વિભાગ છે.સૂત્રકાળ અને વૃત્તિ કાળ.

(૧)સૂત્ર કાળ (૨૦૦ઇ.)

'દર્શન'નું તેજ અધિક સ્થૂળ થઈ ગયું કે સુક્ષ્મ રૂપે ઉપસ્થિત કરવાની આવશ્યકતાનો અનુભવ થવા લાગ્યો. પોતાના આત્મિક જ્ઞાન દ્રારા વિચારકોએ એવા સામાન્ય સિધ્ધાંત સ્થાપિત કર્યા જે વિશ્વના સમસ્ત રૂપોની વ્યાખ્યાની પ્રતીતી  કરાવતા હતા.
આ કાળમાં દાર્શનિકોએ ઉપનિષદના વચનોનો સમન્વય કરી 'સૂત્રો' ની રચના કરી.સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વાતની કે અર્થની રજુઆત કરવી. આ સૂત્રોમાં ગૂઢ રહસ્યો ભરપૂર છે.
ન્યાય, વૈશેણિક,સાંખ્ય,યોગમીમાંસા અને વેદાંતસૂત્રોની રચનાઓ આ સમયમાં થઇ. જૈમિની ઋષિ એ 'જૈમિનિસૂત્ર'ની રચના કરી. વ્યાસજીએ 'બ્રહ્મસૂત્રો'ની રચના કરી, ગૌતમ ઋષિએ ન્યાય શાસ્ત્ર,કણાદ ઋષિએ વૈશેષિક,કપિલ ઋષિએ સાંખ્ય યોગ અને પાતાંજલી દ્રારા યોગની રચના કરી છે.

(૨) વૃત્તિ કાળ.(વિ.સં ૩૦૦થી વિ.સં૧૫૦૦)
આ કાળને ટીકાકાળ પણ કહેવાય છે.આ કાળમાં આપણને મહાન વિચારકો મળ્યાં. કુમારિલ,શંકરારચાર્ય,શ્રીધર,રામાનુજ,માધ્વ,વાચસ્પતિઉદયન,ભાસ્કર,જયંત,વિજ્ઞાનભિક્ષુ,રઘુનાથ આ કાળ દરમિયાન ઉપર જણાવેલા
સૂત્રોનાં ગૂઢ રહસ્યોને સમજવા વર્તિકો અને ટીકાંગ્રંથોની રચનાઓ થઇ છે.તર્ક દ્રારા ખંડન કરી સ્વમતની સ્થાપના કરવામાં આવી.
શંકરાચાર્યનો કેવલદ્વૈતવાદ,રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ,નિમ્બાર્કાચાર્યેદ્વૈતદ્વૈતવાદ,માધ્વાચાર્યે
દ્વૈતવાદ અને અંતિમ આચાર્ય વલ્લભાચાર્યે શુદ્વાદ્વેતવાદનું પ્રતિપાદન કર્યું છે.
પ્રત્યેક આચાર્યનું તત્વદર્શન પોતાની રીતે મહત્વ ધરાવે છે.           
ભારતીય દર્શનની રૂચિ માનવ સમુદાયમાં છે,કાલ્પનિક એકાંતમાં નથી. ભારતીય દર્શનનો ઉદ્ગભવ જીવનમાંથી વિવિધ શાખાઓ અને સંપ્રદાયોમાથી પસાર થઇ ફરી જીવનમાં જ પ્રવેશ કરે છે.ગીતા અને ઉપનિષદ જનસમુદાયના ધાર્મિક વિશ્વાસમાં સમાયેલા છે.આ ગ્રંથ ભારતદેશના સાહિત્યનું અંગ છે અને દાર્શનિક વિચારધારાઓનું માધ્યમ છે.

Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ