નવરાત્રિ અને માતાજીના વાહનનું મહત્વ
વર્ષ દરમિયાન ચાર નવરાત્રી હોય છે.ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે.ચૈત્ર માસમાં નવ દિવસ ના પર્વમાં નવમા દિવસે રામનવમી હોય છે અને આસો માસની નવરાત્રિમાં દસમે દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે.
આ બંને તહેવારો ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.નવરાત્રિમાં નવ દિવસમાં આધશક્તિ દેવી દુર્ગાની પૂજા આરાધના થાય છે.
સમગ્ર દેશમાં આસ્થા અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળે છે.માતાજીના વિવિધ શૃંગારના અને નવ રૂપોના દર્શનનો અવસર મળે છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના તેજથી માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું.દુર્ગમ નામના દાનવનો સંહાર કરી સંસારની રક્ષા કરી જેથી માતા દુર્ગા તરીકે પૂજાય છે.શુક્લ પક્ષની અષ્ટમીએ દેવી દુર્ગાની ઉત્પત્તિ થઈ હતી એટલે નવરાત્રિમાં મહા અષ્ટમીનુ ખાસ મહત્વ છે.
માહ માસમાં માહી નોરતા અને આષાઢ માસમાં આષાઢી નોરતા ગુપ્ત નવરાત્રિ કહેવાય છે.ગુપ્ત નવરાત્રિમાં તંત્ર મંત્રની સાધના થાય છે.આ નવ દિવસમાં દસ મહાવિદ્યાની સાધના કરવામા આવે છે.ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજીની આરાધના અને અનુષ્ઠાન સાંસારિક જીવન માટે ઉત્તમ છે.
આપણા દરેક દેવી દેવતાઓ વાહનો પર આરૂઢ હોય છે.
દરેક વાહન પાછળ રસપ્રદ કથા જોડાયેલી છે.માતાજી સિંહ પર સવારી કરે છે એ આપણે બાળપણથી સાંભળતાં અને જોતા આવ્યા છીએ.માતાજી યુદ્ધમાં રત હોય ત્યારે સિંહ પર સવાર હોય છે. નવરાત્રિમાં ભક્તોના આહવાનથી પૃથ્વી પર માતાજી પધારે છે ત્યારે અલગ અલગ વાહન પર સવાર થઈને આવે છે.
ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજી ધરતી પર પોતાના વાહન સાથે પધારે છે અને નવરાત્રિ પૂર્ણ થતાં દેવતા લોકમાં વાહન સાથે પ્રસ્થાન કરે છે.આ બંને સમયે અલગ અલગ વાહન હોય છે.દર વર્ષે માતાજીના વાહન પણ અલગ અલગ હોય છે.
કહેવાય છે કે માતાજીના વાહનની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે.
માતાજીના દરેક વાહનનુ વિશેષ મહત્વ છે.આ વાહનથી દેશ દુનિયામાં આગામી દિવસોની આગાહી કરવામાં આવે છે.નવરાત્રિમા માતાજી પૃથ્વી પર જે વાહન પર પધારે છે અને પ્રસ્થાન બીજા વાહનથી કરે છે એ જાણવા દિવસનો આધાર લેવાય છે.દેવી ભાગવત્ અનુસાર નવરાત્રિમાં માતાજી ભક્તો પાસે અલગ વાહન પર પૃથ્વી પર પધારે છે .માતાજીના વાહનો છે પાલખી,વહાણ, ઘોડો, ભેંસ, કુકડો, મનુષ્ય અને હાથી.
જે દિવસથી નવરાત્રિ પ્રારંભ થાય છે એ દિવસના વાર પ્રમાણે વાહન હોય છે.
સોમવાર અને રવિવારે નવરાત્રિનો પ્રારંભ થાય ત્યારે માતાજીનું વાહન હાથી હોય છે.
શનીવાર અને મંગળવારે નવરાત્રિ પ્રારંભ થાય ત્યારે માતાજીનું વાહન ઘોડો હોય છે.
ગુરુવાર અને શુક્રવાર નવરાત્રિ પ્રારંભ થાય ત્યારે માતાજી પાલખીમાં બેસીને પધારે છે.
બુધવારે નવરાત્રિ પ્રારંભ થાય તો માતાજી વહાણ પર સવારી
કરી પધારે છે.
આ વાહનોના આધારે આગામી દિવસોની આગાહી કરવામાં આવે છે.
હાથી પરની માતાજીની સવારી સારી વર્ષાઋતુની આગાહી આપે છે.ધન ધાન્ય ભરપૂર થાય છે.
ઘોડા પરની માતાજીની સવારી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય એવી આગાહી કરે છે.
વહાણમાં માતાજીની સવારી સમગ્ર સંસારમાં શુભ ફળદાયી કહેવાય છે.
પાલખીમાં બિરાજમાન માતાજી મહામારી અને સંહારની આગામી કરે છે.
એવી જ રીતે રવીવાર અને સોમવારના ભેંસ પર સવારી કરી માતાજી પ્રસ્થાન કરે તો દેશ દુનિયામાં રોગ અને શોક વધે છે.
શનીવાર અને મંગળવારે માતાજી કુકડા પર સવારી કરી
પ્રસ્થાન કરે તો જન જીવનને કષ્ટોનો સામનો કરવો પડે છે.
બુધવાર અને શુક્રવારે માતાજી હાથી પર સવારી કરી પ્રસ્થાન
કરે તો વરસાદ સારો થાય છે પણ અતિવૃષ્ટિના આસાર આપે છે.
ગુરુવારે માતાજી મનુષ્ય પર સવારી કરી પ્રસ્થાન કરે તો માનવતાના કાર્યોમા વધારો થાય છે.માનવજાતમા સુખ શાંતિનો આનંદ આપે છે.
ધર્મ ગ્રંથો અનુસાર સૃષ્ટિની શરૂઆત પછી પહેલો પાક જવનો થયો હતો.તેથી દેવી દેવતાઓની પૂજા આરાધના યજ્ઞ હોમમાં હંમેશા જવ ચઢાવવામાં આવે છે.
નવરાત્રિમાં જવ વાવીને ઘટ સ્થાપના કરી ભક્તો જવારા સમક્ષ માતાજીની આરાધના કરે છે.
નવરાત્રિ પ્રકૃતિનો ઋતુકાળનો સમય છે.નવરાત્રિ પહેલાના દિવસો જન જીવન, પ્રાણીઓ માટે કષ્ટ દાયક હોય છે કારણકે બે ઋતુનો સંધિકાળ હોય છે.સર્વ કષ્ટ પીડામાંથી મુક્ત થવા અને શક્તિ પામવા શક્તિ દાયીની માતાજીની આરાધના કરવામાં આવે છે.
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ.

Comments
Post a Comment