ગણપતિ સંપ્રદાય

 હિંદુ ધર્મમાં સંપ્રદાયો વેદોમાંથી સ્થાપિત થયા છે.વેદોમા ઇશ્વર, પરમેશ્વર, બ્રહ્મને સર્વોચ્ચ શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.દરેક સંપ્રદાય મૂળ સર્વોચ્ચ શક્તિનું જ વર્ણન કરે છે.

સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ. ઉપાસ્ય દેવતા સર્વ શ્રેષ્ઠ છે એમ માનવું.વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં ઉપાસ્ય દેવતા છે એમ શ્રદ્ધા પૂર્વક આસ્થા રાખી ઉપાસના કરવી.

હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે.શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક.સૌર સંપ્રદાય સમય જતાં વિષ્ણુ પૂજા સાથે ભળી ગયો છે.

દરેક સંપ્રદાયમાં ગણેશ પૂજન થાય છે.શૈવ સંપ્રદાયમાં ગણ તરીકે, વૈષ્ણવ સંપ્રદાયમાં વસુદેવ તરીકે,શાક્ત સંપ્રદાયમાં શક્તિ ગણપતિ અને લક્ષ્મી ગણપતિ એમ સ્ત્રી સ્વરૂપે ગણપતિની આરાધના કરવામાં આવે છે.

સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ.હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે.

શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક.

પાર્વતીના પુત્ર શ્રીગણેશના ભક્તોના સમુહને ગાણપત્ય સંપ્રદાયના અનુયાયી કહેવાય છે.૧૦મી સદીની આસપાસ આ સંપ્રદાય મહારાષ્ટ્રમાં અને દક્ષિણભારતમા પ્રચલિત હતો.આ સમયે તંત્ર યુગનો ઉદય પણ થયો હતો.



જો કે અત્યારે દરેક સંપ્રદાયો એક સાથે થયા છે અને દરેક ઉત્સવ સામુહિક રીતે ઉજવાય છે.

ગણપતિની આરાધના બે રૂપે થાય છે.વૈદિક અને તાંત્રિક.

વૈદિક ગણપતિ ગૃહમંદિરો અને અન્ય દેવતાઓના મંદિરોમાં સ્થાપના કરીને પૂજાય છે.મહાદેવજીના દરેક મંદિરોમાં ગણેશ મૂર્તિ હોય જ છે.વૈદિક ગણપતિ સૌમ્ય સ્વરૂપ છે.મૂર્તિઓ સોનેરી રંગની જોવા મળે છે.જો અન્ય રંગની હોય તો પણ સોનેરી રંગ સાથે જોવા મળે છે.વૈદિક ગણપતિની સૂંઢ ડાબી તરફ એટલે કે હ્રદય તરફ જોવા મળે છે.એક મસ્તક હોય છે.વૈદિક ગણપતિની પૂજા આરાધના ભારતીય સંસ્કૃતિમાં ધામધૂમથી થાય છે.વિઘ્નહર્તા સુખ કર્તા દેવ છે.દરેક મંગળ કાર્યોના આરંભે શ્રી ગણેશ પૂજન થાય જ છે.મંગળવાર અને બુધવાર ગણેશજીનો વાર ગણાય છે.મહા મહિનાની ચોથ આને ભાદરવા મહિનાની ચોથનો દિવસ ગણેશ પૂજન માટે ઉત્તમ હોય છે.આખા વરસ દરમ્યાન સંકષ્ટિનુ વ્રત રાખવામાં આવે છે.વિનાયકી ચોથ આને અંગારકી ચતુર્થી પણ ગણેશ પૂજનની તિથિ છે.

ગણ એટલે લોકો અને પતિ એટલે નાયક.સમુહોનો નાયક એટલે ગણપતિ.સેનાપતિ માત્ર શક્તિશાળી નહીં પણ બુદ્ધિશાળી પણ હોવો જોઇએ.શ્રી ગણપતિમા આ બંને ગુણ છે.

ગાણપત્ય સંપ્રદાયમાં ગણેશજીના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપની આરાધના કરવામાં આવે છે.આ સંપ્રદાયના ભક્તો લાલ રંગનો મસ્તક પર ચાંદલો કરે છે અને ખભા પર હાથીનુ મસ્તક અથવા હાથી દાંતનુ ચિન્હ  અંકિત કરાવે છે.તામિલનાડુ,કર્ણાટક અને મહારાષ્ટ્રમા ગાણપત્યે સંપ્રદાયના મંદિરો જોવા મળે છે.

 મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક તીર્થની સ્થાપના ગાણપત્ય સંપ્રદાયના ઉપાસકોએ કરી છે.

ગાણપત્ય સંપ્રદાયનો ઉલ્લેખ આનંદગિરિસ્વામીના શંકર દિગ્વિજય કાવ્યમા મળે છે.શ્રીમત કૃષ્ણાનંદ અગમવીશ નામના ૧૬મી સદીના બંગાળી રચનાકારની તંત્રસાર નામની કૃતિમા મહાગણપતિ,હેરમ્બગણપતિ,હરિદ્રા ગણપતિ અને ઉચ્છિષ્ટ ગણપતિના સ્વરૂપનુ વર્ણન મળે છે.

તાંત્રિક સંપ્રદાયોની સાથે જ ગાણપત્ય સંપ્રદાયનો ઉદય થયો હતો.આ આગમિક ધારામા ૬ પ્રધાન મત અને ૬ ઉપમત હતા. એક સાથે સંકળાયેલા હતા.આ દરેક ધારા ગણપતિના વિશિષ્ટ સ્વરૂપને ઇષ્ટદેવતા માની એ પ્રમાણે ઉપાસના કરતા હતા.૩ પ્રધાન મત અને ૩ ઉપ મત વૈદિક ધર્મનુ પાલન કરતા હતા અને દક્ષિણના ૩ પ્રધાનમત અને ઉપ મત તાંત્રિક ધર્મનુ પાલન કરી ગણપતિની આરાધના કરતા હતા.

આ જ ઉપ મત સાથે એક ઉપ મત શ્રી હેરમ્બ ગણપતિની ઉપાસના કરતાં ઉપાસકો હતાં. એનો પ્રધાન મત ઉચ્છિષ્ટ ગાણપત્ય હતો.આ ઉપાસનાના સાધકો અક્ષને ભૂજા પર ધારણ કરતા, મસ્તક પર શ્વેત ચંદનથી ગાણપત્યપુડ્ર અને ગળામાં શ્વેતાર્કની માળા ધારણ કરતાં હતા અંકુશ અને પરશુ બંને આયુધ રાખતા.મહીનાની બંને ચતુર્થીના આરાધના કરતાં. હેરમ્બનાથ આ મતના આચાર્ય હતા.

હેરમ્બ ગણપતિ માતાના દુલારા છે.,પાંચ મસ્તક,દસ હાથ છે.અભય મુદ્રા ધારણ કરે છે.નાગપાશ,જપ માળા, રૂદ્રાક્ષ માળા,પરશુ અને કુહાડી ,એક દંત,ફૂલોની માળા,ફળ અને મોદક ધારણ કરે છે.હેરમ્બ ગણપતિની સૂંઢ ડાબી બાજુએ હોય છે.ઉપાસકો પૂજા વિધી ડાબા હાથે કરે છે.એકવીર અને યામલ હેરમ્બ ગણપતિનું સ્વરૂપ છે.

 એકવીર સ્વરૂપમાં સિંહ વાહન,પંચ વક્ત્ર,દશ ભૂજા અને પાશ,દંત,અક્ષમાલા,અંકુશ,પરશુ,મુદ્રા,મોદક અને ફળ દશ ભૂજામા ધારણ કરે છે.શ્વેત વર્ણની મુર્તિ રહેતી.૩૨ ગણપતિ સ્વરૂપોમાં ૧૧મુ સ્વરૂપ હેરમ્બ ગણપતિ છે.

યામલ સ્વરૂપમા  ગણપતિ સાથે બે શક્તિ અને બે વાહનો રહેતા. સિંહ અને મુષક.જો કે શાસ્ત્રોમા આવા સ્વરૂપનુ વર્ણન મળતુ નથી.હેરમ્બ ઉપનિષદ, વિનાયકતંત્ર,હેરમ્બ કલ્પન ઉપાસનાનુ વિવરણ મળે છે.

 ઉત્તર ભારત અને નેપાળમાં હેરમ્બ ગણપતિની સાધના કરતા ઉપાસકો આજે પણ જોવા મળે છે.



૧) મહાગાણપત્ય સંપ્રદાયમા ગણપતિને જગતના સ્વામી માને છે.પ્રલયકાળમા એકમાત્ર ગણપતિ જ રહે છે. મહાગણપતિ પોતાની શક્તિથી દેવતાઓની રચના કરે છે. 

શાંત અને શક્તિ પૂર્ણ છે.૩૨ ગણપતિ સ્વરૂપોમાં ૧૩મુ સ્વરૂપ મહાગણપતિનુ છે.

રક્ત વર્ણ અને દશભુજનની ગણપતિની મૂર્તિની પૂજા કરે છે.



મહાગણપતિ મંદિર પુના નજીક રંજનગામ છે.અષ્ટવિનાયક ગણપતિમા ચોથા ગણપતિ છે.મૂળ મૂર્તિ મહાપાતક કહેવાય છે જેમાં દસ સુંઢ અને વીસ ભૂજા છે.પણ હાલ આ સ્વરૂપ મંદિરની નીચે  ભોયરામા રાખ્યું છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેના સમયમા સુર્યના કિરણો  પર ફેલાય છે ત્યારે મુર્તિ અધિક આર્કષક લાગે છે.આ વર્ણન અત્યારની મૂર્તિનુ છે.

 મંદિરનુ નિર્માણ ૧૦ મી સદીમાં થયુ છે. ત્રિપુરાસરનો વધ કરનાર મહાગણપતિની સ્થાપના સ્વયં મહાદેવજીએ કરી છે એવી માન્યતા છે.



૨) હરિદ્રા ગણપતિ પરબ્રહ્મ સ્વરૂપ છે.પીળા વર્ણનુ  અને ચતુર્ભુજ સ્વરૂપે ત્રિનેત્ર,યજ્ઞોપવીતધારી,પાશ અંકુશ ધારી,દંડ ધારી ગણપતિનુ સ્વરૂપ હોય છે.આ ગણપતિની ઉપાસના સંપત્તિ  અને સમૃદ્ધિ મેળવવા માટે કરાતી હતી.હરિદ્રા ગણપતિ તાંત્રિક ઉપાસનામા આવે છે.પીળા વસ્ત્ર અર્પણ કરાય છે.માતા ત્રિપુરાસુદરીના આવાહન કરવાથી પ્રગટ થયા અને ભંડાસુરનો વધ કર્યો હતો.ઉપાસકો બંને હાથમાં ગણપતિનુ મુખ અને દંતનુ ચિન્હ રાખે છે.ઋગવેદના બીજા મંડળ ૨૩ સૂક્તને પ્રમાણ માને છે.૩૨ સ્વરૂપોમાં ૨૧મુ સ્વરૂપ હરિદ્રા ગણેશ છે.

તાંત્રિક માન્યતા પ્રમાણે બગલામુખીની આરાધના કરતી વખતે હરિદ્રા ગણપતિનું આવાહન કરવામાં આવે છે.૨૦૧૪મા ૨૫ નવેમ્બર માગસર સુદ ચોથના દિવસે શ્રીહરિદ્રા ગણપતિ મંદિરની સ્થાપના જામનગરમાં કરવામાં આવી છે.

૩) ઉચ્છિષ્ટ ગણપતિ સંપ્રદાયના ઉપાસકો હેરમ્બ ગણપતિની આરાધના કરે છે.૩૨ ગણપતિ સ્વરૂપોમાં ૮મુ સ્વરૂપ ઉચ્છિષ્ટ ગણપતિનું છે.ઉચ્છિષ્ટ ગણપતિની મૂર્તિ બ્લુ  રંગની હોય છે.

ગણપતિ એક સાત્વિક દેવ છે પણ તંત્ર સાધનામાં તામસિક રૂપે પણ પૂજાય છે.ઉચ્છિષ્ટ ગણપતિ તીવ્ર પ્રભાવકારી છે.ગુરૂના માર્ગદર્શન હેઠળ ઉપાસના કરવામાં આવે છે.




ઉચ્છિષ્ટ ગણપતિનું મંદિર તામિલનાડુના તીરૂનવેલી જીલ્લામાં છે.કહેવાય છે કે ૧૫૦૦ વર્ષ જુનું મંદિર છે.આ વામમાર્ગી સંપ્રદાય છે.અથર્વવેદમા ઉચ્છિષ્ટ ગણપતિનો ઉલ્લેખ મળે છે.

જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર નજીક સનાવદ સ્થળે શ્રી શનિ ગજાનન શક્તિપીઠમાં ઉચ્છિષ્ટ ગણપતિની સ્થાપના કરી છે.ઉચ્છિષ્ટ ગણપતિની સાધના તાંત્રિક છે.ઉચ્છિષ્ટ એટલે શેષ રહી જાય તે.પણ આ તાંત્રિક સાધનામાં ગણપતિ ઉપાસના કરતી સમયે મુખમાં લાડુ,ગોળ,પાન કોઇ પણ એક વસ્તુ રખાય છે.એટલે મુખમાં લાળ સાથે રહેલો પદાર્થ ઉચ્છિષ્ટ કહેવાય છે


હેરમ્બ ગણપતિનું સ્વરૂપ છ ભુજાઓ, શક્તિ ખોળામાં બિરાજે છે, હાથમાં વીણા,દાડમ,બ્લુ કમળનું ફૂલ,જપમાળા,અને તાજા ડાંગરની ડાળખી હાથમાં હોય છે.

૪) નવનીત ગણપતિ સંપ્રદાયમા ઉપાસના દક્ષિણ પદ્ધતિથી થાય છે.વેદમાર્ગીઓના સંપ્રદાય કહેવાય છે.

૫) સુવર્ણ ગણપતિ  વેદમાર્ગી સંપ્રદાય છે.પિગલ ગણપતિ તરીકે ગણપતિની આરાધના કરે છે.સુવર્ણ ગણપતિ મંદિર આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમા છે.ગણપતિની મૂર્તિ સુવર્ણ રૂપની અને ષડભૂજ હોય છે.



૬)  સંતાન ગણપતિ.લક્ષ્મી ગણપતિ સંપ્રદાય છે.વેદમાર્ગી છે.સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગણપતિની આરાધના સંતાન ગણપતિ સ્તોત્ર કરવાથી થાય છે એવો ઉલ્લેખ મળે છે.

૩૨ ગણપતિ સ્વરૂપોમાં ૧૨મુ સ્વરૂપ લક્ષ્મી ગણપતિ છે.

એકાક્ષર ગણપતિ અને ષડક્ષર ગણપતિ આ બે વેદમાર્ગીઓની ઉપાસનાના અનુયાયીઓ અત્યારે જોવા મળે છે.૩૨ સ્વરૂપોમાં ૧૭મુ સ્વરૂપ એકાક્ષર ગણપતિ છે.

એકાક્ષર ગણપતિ કમળ પર બિરાજે છે.સાથે મૂષક છે.લાલ વર્ણ,લાલ વસ્ત્ર,ત્રણ આંખ,મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે જે મહાદેવ જેવું સ્વરૂપ છે.ચાર હસ્ત,વરદ મુદ્રા, આશીર્વાદ આપે છે, હાથમાં હાથીનું મસ્તક,દાડમ,પાશ છે.આ સ્વરૂપ કેરલના અને મૈસુરના મંદિરમાં જોવા મળે છે.કર્નાટક હમ્પીના મંદિરમાં ઉપાસના થાય છે.ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં એકાક્ષર ગણપતિની આરાધના કરવાનું મહત્વ ધરાવે.બીજ મંત્ર 'ગં'નુ પ્રતિનિધિત્વ કરે છે.

મહાગણપતિની ઉપાસના હાલ પ્રચલિત છે. બાકી સંપ્રદાયો પ્રવર્તમાન નથી.

 રૂદ્ર ગણપતિની  તાંત્રિક સાધના થાય છે. તાંત્રિક ગણપતિનુ સ્વરૂપ લાલ,કાળુ અને ભુરા રંગનુ હોય છે.અને ઘણી વખત અનેક મસ્તક સાથે જોવા મળે છે.. રુદ્ર ગણપતિની સૂંઢ હ્રદયથી દૂર જોવા મળે છે.રૌદ્ર રૂપમા ગણપતિ મહાકાળના સહયોગી છે.મહાકાલ શિવનું સ્વરૂપ છે.બોદ્ધ ધર્મમાં રૂદ્ર ગણપતિનું તાંત્રિક પૂજન થાય છે.

નેપાળ,તિબેટ અને જાપાનમાં તાંત્રિક ગણેશ પ્રસિદ્ધ છે.

નેપાળમા હેરમ્બ ગણપતિની બૌદ્ધ ધર્મમાં તાંત્રિક પૂજા થાય છે.

પાંચ મસ્તક,દસ હાથ, સિંહ પર સવારી અને ખોળામાં શક્તિ બિરાજમાન એવા હેરમ્બ ગણપતિની આરાધના થાય છે.

જાપાનમા કેગિટેન, શોટેન ,ગનબાચી,બિનાયકાતેન નામથી ગણપતિની તાંત્રિક અને મંત્ર સાધના થાય છે.

મુદગલ પુરાણ અનુસાર શ્રી ગણપતિ આઠ સ્વરૂપે આઠ અસુરોનો નાશ કરે છે.મનુષ્યોના આઠ દોષ કામ,ક્રોધ,મદ,લોભ,અહંકાર,લાલસા, ઇર્ષ્યા,મમત.

આઠ અવતારો ધુમ્રવર્ણ,એકદંત,ગજાનન,લંબોદર,મહોદય, વક્રતુંડ,વિકટ,વિધ્નરાજ છે

પુરાણો અનુસાર ભગવાન બ્રહ્માજીની ભવિષ્ય વાણી પ્રમાણે દરેક યુગમાં શ્રી ગણપતિ વિભિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે.સતયુગમા વિનાયક, ત્રેતાયુગમાં મયૂરેશ્વર,દ્રાપર યુગમાં ગજાનન આને કળીયુગમાં ધૂમ્રકેતુ સ્વરૂપ.

ગણપતિ ઉપનિષદમાં ગાણપત્યે સંપ્રદાયની વિચાર ધારણાનુ વર્ણન મળે છે. શક્તિ સંપ્રદાયની રચના થયા પછી ગાણપત્ય સંપ્રદાયમા શક્તિ ગણપતિની આરાધના શરૂઆત થઇ.ગણેશ પુરાણ,મુદગલ પુરાણ અને ગણેશ ગીતા આ ત્રણ સાહિત્ય ગાણપત્યે સંપ્રદાય અનુસરે છે.૧૩મી સદીમાં મોરયા ગોસાવી ગાણપત્ય સંપ્રદાયના મહાન સંત થઇ ગયા. પુના પાસે ચીંચવડ સ્થળે એમની સંજીવની સમાધિ છે.અષ્ટવિનાયક મોરેશ્વર ગણપતિના ભક્ત હતા.મોરયા ગોસાવી ગણપતિ મંદિર યાત્રાનુ ધામ છે.મોરયા ગોસાવીના નામથી ગણપતિ બાપા મોરયાનુ ઉચ્ચારણ થાય છે.

ભગવાન ગણપતિનાં આઠ શક્તિપીઠ મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ છે જે દૈત્ય પ્રવૃત્તિનો નાશ કરવા માટે ઇશ્વરીય અવતાર મનાય છે.આ દરેક સ્વરૂપ જાગૃત ગણાય છે.દરેક મંદિરોમાં શ્રીગણેશની મૂર્તિ સ્વંયભૂ છે.

ગણપતિને બ્રહ્મચારી પણ માનવામાં આવે છે તો રિદ્ધિ અને સિદ્ધિ બે પત્નીઓ,શુભ લાભ પુત્રો અને સંતોષી માતા પુત્રી છે એવા ગણેશ પરિવારની પૂજા થાય છે.

ઈરાન,ઈરાક, ઇજીપ્ત,ચાઇના,જાપાન, શ્રીલંકા,કોરીયામા પણ ગણેશ પૂજક હતાં એવો ઉલ્લેખ મળે છે.

દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં ગાણપત્યે સંપ્રદાયના ભક્તો જોવા મળે છે.જો કે ગણપતિ હિન્દુ ધર્મમાં જાણીતા દેવ છે.બહુ થોડા ઘણા ગાણપત્યે સંપ્રદાય વિશે જાણકારી રાખતા હશે.

ગણપતિની સ્થાપના દરેક મંદિરોમાં હોય છે.પછી મુખ્ય હિન્દુ ધારા હોય કે હિંદુ ધર્મના અન્ય મંદિરો.

ગણપતિ દેવોના ગણ છે અને લોકોના લાડલા છે.



Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ