ગણપતિના ૩૨ સ્વરૂપ એક જ મંદિરમા સ્થાપત્ય
ભારતભરમા ગણપતિજીના અનેક પ્રસિદ્ધ મંદિરો અને અનેક સ્વરૂપ જોવા મળે છે. મુંબઈના સિદ્ધી વિનાયક અને મહારાષ્ટ્રમા આવેલી અષ્ટ વિનાયક યાત્રા ભારતમા પ્રચલિત છે.અષ્ટ વિનાયક યાત્રામા શ્રી ગણપતિના અલગ અલગ આઠ સ્વરૂપોના દર્શન થાય છે.આ મંદિરો અલગ અલગ સ્થળે છે.પુરાણોમા ગણપતિના અનેક નામોનો ઉલ્લેખ છે. શ્રીગણપતિના ૩૨ સ્વરૂપ અને નામોનો ઉલ્લેખ મુદગલ પુરાણ અને ગણેશ પુરાણ મળે છે.
કર્ણાટકના પ્રસિદ્ધ મંદિરમા શ્રીગણપતિના ૩૨ અલગ અલગ નામો અને સ્વરૂપોના દર્શન થાય છે.ભારતભરમા આ એકમાત્ર સ્થાન છે.આ મંદિરની વાસ્તુ કળા અને સ્થાપત્ય કળા અદભુત છે.મૈસુર નજીક નંજનગુડ મહાદેવ મંદિરમા દેવી દેવતાની ૧૦૦થી પણ વધુ પ્રતિમાઓ છે. આ મંદિર શ્રીકાન્તેંશ્વર મહાદેવ નામથી જાણીતુ છે.
આ મંદિર કપિલ નદી કિનારે છે.કપિલ નદી કાવેરી નદીની સહાયક નદી છે.સહાયક નદી ક્યારેય સાગરમા ભળતી નથી.મુખ્ય નદીમા ભળી જાય છે અને મુખ્ય નદીના નીર સાગરમા જાય છે.
આ સ્થળ દક્ષિણ પ્રયાગ કહેવાય છે.
કન્નડ ભાષામા નંજુ એટલે વિષ.નંજુનદેશ્વર મહાદેવ એટલે વિષ ધારણ કરનાર મહાદેવ.
શ્રીગણપતિ પ્રકૃતિની શક્તિના સ્વરૂપ કહેવાય છે.ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ,દુર્ગા,પાર્વતી અને સરસ્વતીની શક્તિ ગણપતિમા સમાહિત છે.
શ્રીગણેશ બુદ્ધિના દેવતા છે.વિઘ્નહર્તા છે.એટલે દરેક કાર્યના શુભારંભમા શ્રીગણેશની આરાધના કરવામા આવે છે.
કર્ણાટકના નંજનગુડ શિવ મંદિરમા પંચમુખી ગણપતિને કદરીમુખ ગણપતિ કહેવાય છે.
કર્ણાટકના રાજવી વાડીયારે આ મંદિરમા સ્થાપિત મુર્તિઓની યાદી તૈયાર કરી.જેનુ નામ છે. તત્વ નિધિ.આ કાર્યના નવ ભાગ છે. નિધિ એટલે સંપત્તિ,વારસો.આ નવ ભાગના નામ છે.શક્તિ નિધિ,વિષ્ણુ નિધિ,શિવ નિધિ,બ્રહ્મા નિધિ,ગ્રહ નિધિ,વૈષ્ણવ નિધિ,શૈવા નિધિ,આગમ નિધિ,કૌતુકા નિધિ.શિવ નિધિમા ગણપતિના ૩૨ સ્વરૂપ અને નામોનો ઉલ્લેખ છે.
શ્રીગણેશના ૩૨ સ્વરૂપ અને નામ
શ્રી બાલ ગણપતિ. છ હાથ અને લાલ વર્ણન સ્વરૂપ છે.બાલ સ્વરૂપની સૂંઢમા મોદક છે.હાથમા કેરી,કેળા શેરડી અને ફણસ જેવા ફળ છે જે ભૂમિની ફળદ્રુપતા દર્શાવે છે.
ગણપતિ ચોથના દિવસે આ સ્વરૂપની આરાધના કરાય છે.
આ બાલ સ્વરૂપના ગણપતિ ભૂમિનુ પ્રતિક છે.સંકટમા બાળ સહજ થવાની પ્રેરણા આપે છે.
તરુણ ગણપતિ. આઠ હાથ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.હાથમા ફળ મોદક,અસ્ત્ર શસ્ત્ર,શેરડી,દંત,ડાંંગર ધારણ કરે છે.
તરુણ એટલે કિશોર વયના સ્વરૂપ. આ સ્વરૂપ આતરિંક પ્રસન્નતા આપે છે.યુવાવસ્થાની ઉર્જાનુ પ્રતિક છે.સંઘર્ષ કરવાની ક્ષમતા આપે છે.
ભક્તિ ગણપતિ. ચાર હાથ અને શ્વેત વર્ણ સ્વરૂપ છે.હાથમા ફળ ફૂલ,ખીર,કેરી કેળા અને શ્રીફળ છે.ખેતી વાડીના વ્યવસાય કરનારા આ સ્વરૂપની આરાધના કરી આશીર્વાદ મેળવે છે.
ભક્ત ગણપતિનુ સ્વરૂપ શ્વેત વર્ણ છે.ભક્તોને શાંતિ આપે છે.
આ સ્વરૂપ ચાર પુરૂર્ષાથના પ્રતિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષનુ પ્રતિનિધિત્વ કરે છે.
વીર ગણપતિ. સોળ હાથ છે,ગદા,ચક્ર, તલવાર, અંકુશ ધારણ કર્યા છે. અને રક્ત વર્ણ સ્વરૂપ છે.
આ સ્વરૂપ નામ પ્રમાણે યોદ્ધાનુ છે.આ સ્વરૂપની પૂજા સાહસ કરવાની પ્રેરણા આપે છે.અજ્ઞાનતા પર વિજય મેળવવાની ક્ષમતા આપે છે.
શક્તિ ગણપતિ.ચાર હાથ અને સિદુંર વર્ણ સ્વરૂપ છે.
એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે અને બીજા હાથમા ફૂલની માળા,દોરડી છે.
શ્રીગણપતિ સાથે શક્તિ બિરાજે છે.મનુષ્યની ભીતર શક્તિનો પુંજ છે દરેક ભક્તોને અભય મુદ્રામા શક્તિશાળી બનવાના આશીષ આપે છે.
દ્રિજ ગણપતિ. ચાર,મુખ,ચાર ભુજાઓ, કમંડલ,રૂદ્રાક્ષ, છડી અને તાડ પત્ર ધારણ કરનાર સ્વરૂપ છે.આ ગણપતિ દ્રિજન્મનુ પ્રતિક છે.એક પાર્વતીમાતાએ પ્રગટ કર્યા છે અને બીજા શિવજીએ હાથીનુ મસ્તક આપી પ્રગટ કર્યા છે.બ્રહ્માનુ સ્વરૂપ છે.ચંદ્ર સમાન વર્ણ છે.
જ્ઞાન અને સંપત્તિના ગુણ મેળવવા આ સ્વરૂપની આરાધના થાય છે.
સિદ્ધિ ગણપતિ. છ હાથ અને પિગંલ સ્વરૂપ છે.ફૂલ,કેરી,શેરડી,ફરસી ધારણ કર્યા છે.મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમા પણ આ સ્વરૂપના દર્શન થાય છે.કામને કુશળતા પૂર્વક પાર પાડવાની પ્રેરણા આપે છે.
ઉચ્છિષ્ટ ગણપતિ. ચાર હાથ અને વાદળી રંગના સ્વરૂપ છે.હાથમા જપ માળા,દાડમ,કમળ વીણા,અને ડાંગર છે.
આ સ્વરૂપ સાથે શક્તિ બિરાજે છે.કામના,ધર્મ, ઐશ્વર્ય અને મોક્ષનુ સંતુલન કરે છે.ધાન્યના દેવતા છે.
વિઘ્ન ગણપતિ. દસ હાથ અને સુવર્ણ સ્વરૂપ છે.શંખ,ડાંંગર,ફરસી અંકુશ,દોરડી,શેરડી,ફૂલ છડી,ધારણ કર્યા છે.
સકારાત્મક ભાવ જોવાની પ્રેરણા આપે છે જેથી કાર્યમા આવતા વિઘ્નને ભક્ત નિર્ભયપણે દૂર કરી શકે છે.
ક્ષિપ્ર ગણપતિ. ચાર હાથ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.અંકુશ,દોરડી,કલ્પ વૃક્ષ,દંત ધારણ કર્યા છે.કામના પૂર્તિ કરી છે.
હેરમ્બ ગણપતિ. પાંચ મસ્તક, સિંહ પર સવાર,દસ ભુજાઓ, ફરસી,રસ્સી,મણકા માળા ,ફળ છડી, દંંત અને મોદક ધારણ કરનાર સ્વરૂપ છે.જમણો હાથ અભય મુદ્રામા છે અને ડાબો હાથ આશીર્વાદ આપે છે.
આ સ્વરૂપ આત્મ નિર્ભર બનવાની પ્રેરણા આપે છે.
લક્ષ્મી ગણપતિ. આઠ હાથ અને ગૌરવ વર્ણ સ્વરૂપ છે.એક હાથ અભય મુદ્રામા છે .બીજા હાથમા પોપટ છે.બંને તરફ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે.હાથમા પોપટ, દાડમ,તલવાર અંકુશ,કલ્પ વૃક્ષની ડાળી ,કુંભ છે.રિદ્ધિ સિદ્ધિના હાથમા કમળ છે.
બુદ્ધિ અને સિદ્ધીના દેવતા છે.સદબુદ્ધિ સત્કર્મ કરાવી લક્ષ્મી આપે છે.
મહાગણપતિ. દસ ભુજાઓ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.ત્રણ નેત્ર છે
શક્તિ સાથે છે.દંત,ડાંંગર, શેરડી,ફરસી,કમળ,અંકુશ,ગદા ધારણ કર્યા છે.
અષ્ટ વિનાયક મંદિરની યાત્રામા એક સ્વરૂપ મહાગણપતિ છે.દ્વારકામા મહાગણપતિ સ્વરૂપનુ મંદિર છે.કહેવાય છે કે શ્રીકૃષ્ણે આ સ્વરૂપની આરાધના કરી હતી.આ સ્વરૂપ દસે દિશાનુ પ્રતિનિધિત્વ કરે છે.
વિજય ગણપતિ. ચાર ભુજાઓ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.મૂષક પર સવાર છે.દંત,અંકુશ,ગદા,કેરી,ધારણ કર્યા છે.
અષ્ટ વિનાયક મંદિરમા આ સ્વરૂપ છે.નામ પ્રમાણે કાર્યમા વિજય અપાવનાર સ્વરૂપ છે.
નૃત્ય ગણપતિ. ચાર ભુજાઓ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.કલ્પ વૃક્ષ નીચે નૃત્ય કરે છે.એક હાથમા પરશુ,મોદક, દંત,અંકુશ છે.
આ સ્વરૂપ નૃત્ય કરતુ પ્રસન્ન મુદ્રા વ્યક્ત કરે છે.તામિલનાડુના કોડુમુદી સ્થાન પર પણ આ સ્વરૂપનુ મંદિર છે. આ સ્વરૂપની આરાધના નૃત્યકારો કરે છે.તેમ જ નૃત્ય શીખનારા શિષ્યને પ્રેરણા આપે છે.
ઉર્ધ્વ ગણપતિ. આઠ ભુજાઓ અને કનક વર્ણ સ્વરૂપ છે.શક્તિ સાથે બિરાજમાન છે.એક હાથમા તૂટેલો દંત છે.બીજા હાથમા કમળ ,શેરડી,ડાંંગરનીડળખી છે.
ભક્તને પોતાના સ્થાનેથી આગળ વધવાની પ્રેરણા આપે છે.તંત્રશાસ્ત્રમા ઉદવ્ર ગણેશની આરાધના કરાય છે.
એકાક્ષર ગણપતિ. ચાર ભુજાઓ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.ત્રણ નેત્ર છે.મસ્તક ઉપર ચંદ્રમા છે.શિવજી સમાન સ્વરૂપ છે.મૂષક પર બિરાજમાન છે જે કમલાકાર છે.દાડમ, અંકુશ,ભાલો,ગદા ધારણ કરી આશીર્વાદ આપે છે.
મન અને મસ્તક પર નિયંત્રણ કરવા આ સ્વરૂપની આરાધના થાય છે.
વરદ ગણપતિ. ચાર ભુજાઓ અને રક્ત વર્ણ સ્વરૂપ છે.સૂંઢમા કુંભ છે.શક્તિ સાથે બિરાજમાન છે.ત્રિનેત્ર છે.મધનો કુંભ, અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે.રત્નોના કુંભ,સુંદર મુગટ ધારણ કરવાથી તેજસ્વી સ્વરૂપ લાગે છે.
સફળતા અને સિદ્ધીનું વરદાન આપે છે.
ત્ર્યક્ષર ગણપતિ.ત્રણ નેત્ર,ચાર ભુજાઓ અને સુવર્ણ સ્વરૂપ છે
હાથમા દંત,અસ્ત્ર શસ્ત્ર, કેરી છે.સૂંઢમા મોદક છે.પહોળા કાન છે.
આ સ્વરૂપમા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ સમાહિત છે એટલે સૃષ્ટિના નિર્માતા,પાલનહાર અને સંહારક છે.આ સ્વરૂપની આરાધના આધ્યાત્મિક જ્ઞાન આપે છે.
ક્ષિપ્રપ્રસાદ ગણપતિ. ચાર ભુજાઓ,રક્ત વર્ણ અને ત્રણ નેત્ર સ્વરૂપ છે.ઘાસના બનેલા સિંહાસન પર બિરાજમાન છે.લંબોદર સ્વરૂપ છે જે સૃષ્ટિના પ્રતિક કરે છે.અસ્ત્ર શસ્ત્ર, દંત,કમળ,દાડમ અને કલ્પ વૃક્ષની ડાળખી ધારણ કરી છે.
આ સ્વરૂપના ગણપતિ ઇચ્છાને શીધ્રતાથી પૂર્ણ કરે છે.શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક છે.
હરિદ્વા ગણપતિ. ચાર ભુજાઓ અને પીળા રંગનુ સ્વરૂપ છે.સિંહસન પર બિરાજમાન છે.સૂંઢમા મોદક છે.હાથમા અંકુશ,ગદા છે.
આ સ્વરૂપ હળદર સમાન પીળુ છે.વ્યાપારમા મુનાફો મેળવવા હરિદ્ર ગણપતિની આરાધના થાય છે.નિરોગી રહેવાની શક્તિ આપે છે.
એકદંતગણપતિ. ચાર ભુજાઓ અને શ્યામ સ્વરૂપ છે.લંબોદર અને એક દંત છે.હાથમા જપ માળા,લાડુ,કુહાડી છે.
બાધા નડતર દૂર કરનાર સ્વરૂપ છે.એકદંત સ્વરૂપનુ ઉદર અન્ય સ્વરૂપ કરતા મોટુ હોય છે.સમસ્ત બ્રહ્માંડને પોતાની ભીતર સમાવી લે છે એવુ પ્રતિક છે.આપણામા રહેલી ખામીને દૂર કરી ખુબીઓને નિખારવા પ્રેરિત કરે છે.
સૃષ્ટિ ગણપતિ. ચાર ભુજાઓ,રક્ત વર્ણ અને મૂષક પર સવારી કરે છે એવુ સ્વરૂપ છે.બ્રહ્મા સ્વરૂપ છે.એક મોટા મૂષક પર સવાર છે.હાથમા દંત,કેરી,ગદા,અંકુશ ધારણ કર્યા છે.
આ સ્વરૂપ પ્રકૃતિની તમામ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે.આ સ્વરૂપ બ્રહ્માજી સમાન છે.આ સ્વરૂપની આરાધના ખરા ખોટાનો ફરક સમજવાની પ્રેરણા આપે છે.
ઉદ઼ંડ ગણપતિ. દસ ભુજાઓ, હાથમા કંકુ,અમૃતનો કળશ,કમળ,શેરડી,ડાંંગર, દાડમ,માળા,દંત અને શસ્ત્રો છે. રક્ત વર્ણ અને ઉગ્ર સ્વરૂપ છે.નિર્ભય રૂપ છે.
ન્યાયની સ્થાપના કરનારા ગણપતિ છે.સાંસારિક મોહન બંધનમાંથી મુક્ત થવાની શક્તિ આપે છે.
ઋણમોચન ગણપતિ. ચાર ભુજાઓ,શ્વેત વર્ણ અને લાલ રંગના વસ્ત્ર ધારણ કરે છે.એક હાથમા મીઠા ભાત છે.શસ્ત્રો,ગદા,અમૃત કુંભ છે.આર્શીવાદ આપે છે.
અપરાધબોધ અને કર્જમાથી મુક્ત થવાની પ્રેરણા આપે છે.પરિવાર અને ગુરૂ પ્રત્યેની જવાબદારી નિભાવવા પ્રેરિત કરે છે.
ઢુણ્ઢિ ગણપતિ. રક્ત વર્ણ છે.લાલ રંગનુ પાત્ર ધારણ કર્યુ છે.વિઘ્નો દૂર કરવા અને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ કરવા આરાધના કરાય છે.શસ્ત્રો,ગદા,અંકુશ,લાડુ,ધારણ કર્યા છે.
આ સ્વરૂપ ગણપતિજીના પિતા મહાદેવજીનો પ્રતિક છે કારણ કે હાથમા રૂદ્રાક્ષ ધારણ કરે છે.આધ્યાત્મિક વિચારોની પ્રેરણા આપેછે.
દ્રિમુખ ગણપતિ. ચાર ભુજાઓ,બે મુખ છે. બંને મુખની સૂંઢ ઉપર તરફ છે.નીલ અને લીલા રંગનુ સ્વરૂપ છે.હાથમા અંકુશ, ગદા,દંત,મોદક ધારણ કર્યા છે.
બે મુખ ધારણ કરેલું આ સ્વરૂપ ચારે દિશાઓના પ્રતિનિધિત્વ કરે છે.વ્યક્તિને આંતરિક અને બાહ્ય દુનિયાને નિરખવાની પ્રેરણા આપે છે.
ત્રિમુખ ગણપતિ. ત્રણ મુખ છે.છ હાથ છે.ડાબી અને જમણી તરફ સૂંઢ ઉપર તરફ છે.સોનાના કમળ પર બિરાજમાન છે.એક હાથમા કુભં છે.જપ માળા,અસ્ત્ર શસ્ત્ર હાથમા છે.જમણા હાથથી રક્ષા કરવાનુ અને ડાબા હાથથી આર્શીવાદ આપે છે.
રક્ષાનુ વરદાન આપે છે.ભૂતપૂર્વ,વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમા રાખી કર્મ કરવાની પ્રેરણા આપે છે.
સિંહ ગણપતિ. આઠ ભુજાઓ, સિંહના મુખ સમાન,હાથીનુ ધડ,અને શ્વેત વર્ણ સ્વરૂપ છે.હાથમા વીણા અને કમળ પુષ્પ છે.રત્ન ઘડો અને કલ્પ વૃક્ષની ડાળખી છે.
સિંહ ગણપતિનુ સ્વરૂપ સિંહ સમાન છે.નિડરતા અને આત્મ વિશ્વાસ નુકસાન પ્રતિક છે.
યોગ ગણપતિ. યોગ મુદ્રામા બિરાજમાન છે.ચાર ભુજાઓ અને વાદળી રંગના વસ્ત્ર ધારણ કર્યા છે એવુ સ્વરૂપ છે.મુખ સુર્ય સમાન તેજસ્વી છે.ધ્યાન મુદ્રામા બિરાજમાન ગણપતિ ધ્યાન અને યોગ કરનારા ભક્તો આગળ વધવા પ્રેરિત કરે છે.હાથમા શેરડી,જપ માળા,અંકુશ છે.સુર્યોદય સમાન તેજસ્વી છે.
આ સ્વરૂપના ગણપતિ એક યોગી જેવા દેખાય છે.મનને પ્રસન્ન કરે છે.ભક્તમા રહેલી આંતરિક શક્તિ ઓળખવા મદદ કરે છે.
દુર્ગા ગણપતિ. આઠ ભુજાઓ, રક્ત વર્ણ અને લાલ વસ્ત્ર ધારણ કરેલુ સ્વરૂપ છે.હાથમા અસ્ત્ર શસ્ત્ર, દંત,જપ માળા,ફળ છે.
નામ પ્રમાણે શક્તિ સ્વરૂપ છે.અજેય છે. અંધકાર પર વિજય અપાવનાર સ્વરૂપ છે.વિજય પ્રાપ્ત કરવા બાધાઓને દૂર કરવાની શક્તિ આપે છે.
સંકષ્ટહરણ ગણપતિ. ચાર ભુજાઓ, રક્ત વર્ણ, હીરા જડિત મુગટ ધારણ કરેલુ સ્વરૂપ છે.શક્તિ સાથે બિરાજમાન છે.શક્તિના હાથમા કમળ છે.એક હાથ વરદ મુદ્રામા છે.દંત,કમળ,અંકુશ, કુહાડી,છે.
નામ પ્રમાણે સંકટ હરનારૂ સ્વરૂપ છે.આ સ્વરૂપની આરાધના કાર્યમા આવતા સંકટ દૂર કરવાની ક્ષમતા આપે છે.કાર્ય કરતા કરતા સંકટ તો આવવાના જ.ભક્તો ર્નિવિઘ્ને કાર્ય સંપન્ન કરવા શ્રીગણેશ પૂજન કરે છે.
મહાગણપતિ,સિદ્ધિ ગણપતિ અને બાલ ગણપતિના સ્વરૂપ જાણીતા છે.પ્રથમ ૧૬ સ્વરૂપ ષોડશ કહેવાય છે. અને બાકીના એકવમસ્થી કહેવાય છે.
પ્રથમ ૧૬ નામ અને સ્વરૂપની આરાધના ભક્તોને સંપત્તિ આપે છે.પછીના પાંચ નામ અને સ્વરૂપ ભક્તોને દુષ્ટ દ્રષ્ટિ અને મેલી વિદ્યાથી બચાવે છે.પછીના છ નામ અને સ્વરૂપ શત્રુ પીડાથી રક્ષણ આપે છે.છેલ્લા પાંચ સ્વરૂપ અને નામ સર્પ દોષમાથી મુક્તિ અપાવે છે.
આ ૩૨ નામ ગણપતિના ગુણોનુ વર્ણન કરે છે. દરેક સ્વરૂપ અને નામ એક ચોક્કસ ગુણ અને પ્રભુત્વ દર્શાવે છે. .દરેક સ્વરૂપ રચનાત્મક છે સાથે ઉત્તેજના,શક્તિમાન,દ્રઢ નિશ્ચય કરાવનાર છે.આ સ્વરૂપ અને નામો શ્રી ગણપતિની મુખ્ય વિશેષતા અને અદ્રિતીય ગુણોનુ વર્ણન કરે છે.

Comments
Post a Comment