દુર્ગાપૂજા ઉત્સવનો ઈતિહાસ અને શરુઆત


ખલિલ જીબ્રાને કહ્યું છે,'દરેક ઘરમાં ઇશ્વરે પોતાની જગ્યા પૂરવા માનું સર્જન કર્યું છે.' માનાં અનેક સ્વરૂપો છે.મા દુર્ગા,મા લક્ષ્મી,મા સરસ્વતી.શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ કરે છે.શક્તિનો ક્યારેય નાશ નથી થતો.આ જગતની નારીમાં શક્તિ સ્વરુપ અલગ અલગ રીતે જોવા મળે છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓ કરતા દેવીમાતાને અધિક મહત્વ અપાય છે.આ દેવીપૂજામાં દુર્ગાશક્તિનુ મહાત્મય વધુ છે.કારણકે દુર્ગાશક્તિની ઉપાસના કરીને સંસારની સમગ્ર શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.દુર્ગાપૂજાના રુપે આપણે સમસ્ત સ્ત્રી શક્તિની ઉપાસના કરતા હોઇએ છે.
દુર્ગાપૂજાનુ ફક્ત ધાર્મિક જ મહત્વ નથી..આધ્યાત્મિક,સાંસ્કૃતિક અને સાંસારિક મહત્વ પણ છે.દરેક પર્વનું મહત્વ છે.જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવનાર પર્વો નવી ઉર્જાનો સંચાર કરે છે.દુર્ગાપૂજા આવો જ શક્તિ પ્રદાન કરતો તહેવાર છે.
દુર્ગા એટલે દુર્ગતિને પાર કરનારી શક્તિ.આપણુ શરીર દુર્ગ છે અને એમાં અમોધ શક્તિ છુપાયેલી છે જેની ક્યારેક આપણને જ ખબર નથી હોતી અને બીનજરુરીય પ્રવૃતિમાં ખર્ચી નાંખીએ છે.સ્વસ્થ શરીર સ્વસ્થ મગજ શક્તિ આપે છે. સારા કાર્યો કરવાની બુદ્ધિ આપે છે.જેવી રીતે દેવી દુર્ગાએ બ્રહ્મા,વિષ્ણુ અને શિવની પાસેથી શક્તિ મેળવીને અસુર મહિષાસુરનો વધ કર્યો હતો એવી રીતે આપણે પણ આપણા અવગુણ પર વિજય મેળવી માનવતાને આગળ કરવાની છે.અસુર જે સદાય ભૌતિક આનંદ અને ભોગવિલાસમાં રત રહે છે.આવો મહિષાસુરનોઆજે પ્રત્યેક માનવીમાં વાસ છે.આવા મહિષાસુરની માયા પિછાનીને તેની આસુરી પકડમાંથી મુક્ત થવા દુર્ગાશક્તિની ઉપાસના કરવાનું નવ દિવસનું પર્વ નવરાત્રી છે જ્યારે દેવી તત્વ અધિક હોય છે.વાયુમંડળ શક્તિની લહેરોથી પ્રેરિત હોય છે.
દુનિયાનો સૌથી લાંબો ધાર્મિક ઉત્સવ નવરાત્રી છે.

બંગાળમાં શક્તિપુજાનું મહત્વ અને  પરંપરા પ્રાચીન સમયથી છે અને ત્યાં શાક્તસંપ્રદાયની અસર વધુ જોવા મળે છે.એમ માનવમાં આવે છે કે શૈવપંથમાંથી શાકત પંથની રચના થઇ.
દુર્ગાપૂજા ની તૈયારી મહિનાઓ અગાઉ ચાલુ થઇ જાય છે.મોટા અને સુંદર  પંડાલમાં દુર્ગામાતાની પ્રતિમાની સ્થાપના કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.દસ દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે.આસપાસનું વાતાવરણ દુર્ગામાતાના રંગમાં રંગાઈ જાય છે. બંગાળીઓના દુર્ગાપૂજા અને કાળીમાતાની આરાધના આ બે મોટા ઉત્સવ છે. દેશ વિદેશ,જ્યાં જ્યાં બંગાળીઓ વસતા હોય ત્યાં દુર્ગાપૂજા ઉજવવામાં કોઈ કસર નથી રાખતા.


ભારતમાં  પહેલી દુર્ગાપૂજા 1500 ની સાલમાં શરુ થઇ હતી.ત્યાંના જમીનદાર અને ધનિકવર્ગમાં દુર્ગાપૂજાનો ઉત્સવ કરવાની શરૂઆત થઇ હતી.બંગાળના દિનાજપુર અને માલ્દામાં દુર્ગાપૂજાનો પ્રારંભ થયો હતો.ત્યાર પછી સામુહિક પૂજા  કરનારા બાર યુવાનો હતા જે હુગલી જિલ્લાના ગુપ્તિપરાના હતા. 1790 માં આ બાર મિત્રોએ સાથે મળીને આસપાસના રહેવાસીઓ પાસેથી  ફંડ ફાળો મેળવી દુર્ગાપૂજા શરુ કરી જે "બરો યારી" અથવા 12 મિત્રોની પૂજા તરીકે પ્રસિદ્ધ થઇ. આ રીતની સાર્વજનિક પૂજાની શરૂઆત કલકત્તામાં 1832 માં કોસીમબઝારમાં રાણા હરિનાથે શરુ કરી..આ બારોયારી પૂજા "સરબાજનીન" એટલે કે સાર્વજનિક પૂજા તરીકે 1910 માં વધુ પ્રસિદ્ધિ મેળવી ગયી કારણ કે સનાતન ધર્મોત્સાહીની સભા નામની સંસ્થાએ બાધબજાર કલકત્તામાં દુર્ગાપૂજા ઉત્સવનું આયોજન કર્યું જેમા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.18 મી અને 19 મી સદીથી તો દુર્ગાપૂજાનો બંગાળી  સાંસ્કૃતિક અને સાર્વજનિક પૂજા તરીકે જોરશોરથી આરંભ થઇ ગયો.કહેવાય છે કે તે સમયે અંગ્રેજો પણ દુર્ગાપૂજા માં ભાગ લેતા હતા.ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ 1765 માં ભાગ  લીધો હતો.  ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જ્હોન ચિપ્સે પોતે જાતે બિરભુમ નામના સ્થળે  દુર્ગાપૂજા નું આયોજન દરેક કર્મચારીઓ સાથે મળી ને કર્યુ હતું પણ આગળ જતા બંધ કરવામાં આવ્યું કારણ કે આવા આયોજનમાં કંપની પર રોક આવી ગયી.
દિલ્હીમાં 1910 માં પ્રથમ દુર્ગાપૂજાનું આયોજન થયું હતું.ત્યાર પછી તો આસામ,ત્રિપુરા,બિહાર,ઝારખંડ,મિથિલા,ઉડ઼ીસા, મણિપુર,સમસ્ત ભારતમાં જ્યાં બંગાળીઓનો વસવાટ છે ત્યાં દુર્ગાપૂજાનું આયોજન થવા લાગ્યું.આ દરેક જગ્યાએ સાંસ્કૃતિક અને રીતિ રિવાજોમાં પોતાના પ્રદેશ પ્રમાણે વિવિધતા જોવા મળે છે.જેમાં દુર્ગોત્સવ,અક્લબોદાં,શરદીયાપુજા,મહાપુજા,શારદિયોત્સવ,માયારપૂજો,દુર્ગકનાશિની,વિજયાદશમીના નામોથી જાણીતી છે.
દુર્ગામાતાની પ્રતિમા માટીમાંથી બનાવી સ્થાપિત કરાય છે.જેમાં દસ હાથવાળા અને દરેક હાથમાં શસ્ત્રો સાથેની પ્રતિમા હોય છે.સાથે દુર્ગામાતા ના ચાર સંતાન કાર્તિકેય,ગણેશ,સરસ્વતી અને લક્ષ્મીની પ્રતિમા હોય છે.આ પ્રતિમા ને "એક ચાલા" કહેવાય છે.એક અને ચાલ એટલે આવરણ.દશભૂજા અને સિંહની સવારીની પ્રતિમાની પૂજા ખુબજ ભક્તિભાવથી કરાય છે.દુર્ગાદેવી હિમાલય અને મેનકાની પુત્રી અને સતીનો અવતાર છે જેના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા.

દુર્ગાપૂજાના પ્રથમ દિવસ ને મહાલય  એટલે કે પિતૃતર્પણ કરવું કહે છે.મહાલય ને દિવસે અસુરો અને દેવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. જેમાં દેવો અને ઋષિઓની જીવ હાની થયી હતી. તેમને તર્પણઆપવા મહાલયની પૂજા કરાય છે.વિધિવત પ્રારંભ આસોસુદી છઠ્ઠના દિવસથી થાય છે.જે દિવસે મા દુર્ગા પૃથ્વી પર આવ્યા હતા.આ દિવસે બિલ્વનિમત્રંણ કલ્પારંભ ,અકલબોધન,આમંત્રણ અને અધિવાસ નામની પરંપરાનો આરંભ કરાય છે.બીજે દિવસે આસોસુદ સપ્તમીના નવપત્રિકા નામનું પૂજન કરાય છે. આસોસુદી આઠમ દુર્ગાપૂજાનો મુખ્ય દિવસ છે.ત્યારે સંધિપૂજા કરી આસોસુદી નવમી સુધી સંધિ પૂજા ચાલુ રખાય છે.અંતે આસોસુદી દશમી એટલે કે વિજયા દશમીના દિવસે દુર્ગાવિસર્જન,સિંદૂર ઉત્સવતરીકે ઉજવાય છે.આ દિવસે પ્રતિમાનું વિસર્જન થાય છે.

બંગાળમાં શક્તિસંપ્રદાયની અસર છે તેમજ ત્યાં વૈષ્ણવ સંપ્રદાય પણ એટલોજ પ્રચલિત છે.પહેલા આ બંને સંપ્રદાયો વચ્ચે વાદવિવાદ થયા કરતા. હિન્દી સાહિત્ય ના કવિ સૂર્યકાન્ત ત્રિપાઠી "નિરાળા", આજથી લગભગ એસી પંચ્યાસી વર્ષ પહેલા એક મહાકાવ્ય લખ્યું હતું "રામ કી શક્તિ પૂજા".આ કવિતામાં ભગવાનરામ યુદ્ધમાં  રાવણને હરાવા માટે શક્તિની દેવીદુર્ગા ની આરાધના કરે છે.આ કાવ્ય પરથી 15મી સદીમા  કૃતિબાસ ઓઝા નામના બંગાળી ભક્તકવિએ "શ્રીરામ પાંચાલી "નામના મહાકાવ્યની રચના કરી હતી.જે વાલ્મિકી રામાયણનું બંગાળી સંસ્કરણ છે.જેમાં શક્તિપૂજા ની પરંપરાનું સુંદર વર્ણન મળે છે કે કેવી રીતે રામચંદ્રભગવાન નૈતિક શક્તિઓથી રાવણ સાથે યુદ્ધ કરી ને હારી રહ્યા હતા.રામચંદ્રજી હતાશ થઇ ગયા હતા. રાવણની આસુરી શક્તિ સામે જાંબવંતે મૌલિક શક્તિ પામવા રામચંદ્રજીને શક્તિની દેવીદુર્ગાની આરાધના કરવા કહ્યું.નવ દિવસની કઠોર સાધનાનું વર્ણન મળે છે. અંતે ભગવાનરામે  માદુર્ગા પાસેથી મૌલિક શક્તિ પ્રાપ્ત કરી રાવણને યુદ્ધમાં હરાવ્યો.કૃતિબાસઓઝાનો હેતુ બંગાળમાં દશેરાના તહેવારથી સમાજમાં  સત્ય અને ન્યાયની સમજણ આપવાનો હતો.શાક્તસંપ્રદાય અને વૈષ્ણવસંપ્રદાયના કારણે જે વિવાદ થતો હતો એમાં એકતા લાવવાની કોશીષ કરી હતી.ભગવાનરામ વિષ્ણુ નું રૂપ છે અને મા દુર્ગા શક્તિસંપ્રદાયના દેવી છે.ભગવાનરામ દુર્ગાની આરાધનાકરે છે.એવું વર્ણન કર્યું છે.જેથી બંને સંપ્રદાયો વચ્ચે સંતુલન કાયમ કરવામાં સફળ રહ્યા હતા.ભગવાનરામ નાયક તરીકે સ્થાપિત થયા અને શક્તિની પૂજાની અહેમિયત પણ જારી રાખી. કૃતિબાસીઓજાની રામાયણ બંગાળમાં પ્રસિધ્ધ થઇ સાથે સાથે દુર્ગામાતા પણ જનમાનસ માં લોકપ્રિય થઇ ગયા.આજે દુર્ગા પૂજા ફક્ત બંગાળીઓ માટે જ નહીં પણ ભારતમાં સર્વત્ર મહત્વનો તહેવાર છે.
દુર્ગાપૂજાના ઉત્સવ દરમ્યાન બંગાળીઓ પ્રસિદ્ધ કુમારીપૂજા  કરે છે.કુમારી એટલા અપ્રગટ શક્તિ જેમાં શક્તિ અખૂટ હોય છે.બે થી દસ વર્ષની બાળાઓ. કુમારીપૂજા આસોસુદઆઠમના દિવસે કરાય છે.નાની બાલિકાઓની દેવીદુર્ગા સમક્ષ પૂજા થાય છે.બાલિકાઓને ભેટદક્ષિણા આપવામાં આવે છે.
સ્વામીવિવેકાનંદે 1900ની સાલમાં બેલુરમઠ કલકત્તામાં આ રીતની બાલિકા પૂજા શરુ કરી હતી.સ્વામીવિવેકાનંદે આ રીતે સ્ત્રીસન્માનની ભાવનાનું મહત્વ બતાવ્યું છે.આ દરેક પૂજા અને વિધિઓ સ્ત્રી પૂજાનું મહત્વ સમજાવે છે.
લોકકથા
જેમાં એમ કહેવાય છે કે મા દુર્ગા પોતાના પિતાના ઘરે એટલે કે પિયરે આવે છે.સાથે પોતાના ચાર સંતાન કાર્તિકેય,ગણેશ,સરસ્વતી અને લક્ષ્મી પણ હોય છે.લોકકથા પ્રમાણે શિવજી સાથે દુર્ગા ઘણું કઠોર જીવન જીવે છે.શિવજી તપ ધ્યાનમાં મશગુલ રહે છે.ક્યારેક્જ ઘેરે આવે છે.હિમાલય ની ઠંડીમાં ઘર છે.જેથી ગરમ આબોહવા એવા બંગાળમાં પિતાના ઘેરે આવે છે.જ્યાં તેમને ખુબજ આવકાર મળે છે.ભક્તોના રૂપે માબાપ દુર્ગા અને બાળકોને ખુબ પ્રેમ આપે છે.જેમ પિયરે આવેલી દીકરી અને ભાણિયાઓ પર વહાલનો વરસાદ થાય છે.દીકરીને પોતાના સાસરિયાની જવાબદારીમાંથી થોડો સમય રાહત મળે છે.દીકરી જયારે સાસરે પછી જાય છે ત્યારે એને ભેટ સોગાદો આપવામાં આવે છે.આવીજ રીતે દુર્ગામાતા  પોતાના સંતાનો સાથે પતિગૃહે પાછા જાય છે.તે દિવસ વિજયાદશમી નો હોય છે.માતા પિતાનું મન દુઃખી થઇ જાય છે.આવીજ રીતે ભક્તો દશમીને દિવસે માતાજીની પ્રતિમા રડતા રડતા નદી માં પધરાવે છે.
સમય બદલાય છે પણ સામાજિક સંદર્ભ આજે પણ આવોજ છે.

ભારતમાં શક્તિ પૂજા ના અલગ અલગ રંગ જોવા મળે છે.મૈસુરના દશેરા નીજાંબુ સવારી,કે કુલ્લુમનાલીના દશેરા, અને આપણા સૌના માનીતા ગરબા.વિશ્વના દરેક ખુણામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ જ
 ત્યાં ત્યાં ગરબા ઉત્સવ થાય છે.ગુજરાતની અસ્મિતાનું સીમા સ્તંભ છે.
શક્તિ એટલે સ્ત્રી.દરેક સ્ત્રી શક્તિનો અંશ છે.નવરાત્રી શક્તિ આરધનાનો પર્વ છે.શક્તિ આપણી આસપાસ જ નારી રૂપે બિરાજે છે.



Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ